Wednesday, 28 November 2012

Kartaki Poonam

દ્રાવિડ-વારીખિલ્લ ની કથા.......

પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્ય્મ અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આરાધના કરે છે તે આ લોક
માં સર્વ પ્રકારે સુખ ભોગવી અલ્પ સમયમાં મુક્તિ સુખને પામે છે.કાર્તિકીપૂનમના દિવસે માત્ર એક ઉપવાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજની ભાવપૂર્વક કરવાથી ઋષિહત્યા,સ્ત્રી હત્યા અને બાળ હત્યા જેવા ઘોર પાપોથી માનવી મુક્ત થઇ જાય છે.

 

તિર્યંચગતિ,દેવગતિ અને નરકગતિમાં ચોરાસી લાખ ફેરા ફરતાં ફરતાં કોઈ મહાપુણ્ય યોગે આજે માનવભવ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયો છે.પરંતુ માનવભવ મળ્યા પછી એ બધા ભૂતકાળને ભૂલી ગયો છે અજ્ઞાનતાના કારણે અનેક પ્રકારના પાપોના પોટલાં બાંધે છે,પરંતુ જ્ઞાની ભગવંતોએ એવા ભયંકર બંધનો માંથી છુટવાના અનેક ઉપાયો બતાવી આપના પર મહાન ઉપકાર કર્યા છે.એક એક પર્વતિથીની આરાધનાથી પૂર્વે કરેલા ઘોર પાપો ક્ષણવારમાં બળીને ભસ્મી ભૂત થઇ જાય છે.

કાર્તકીપૂનમે દ્રાવિડ અને વારિખિલ્લ કેવા કેવા કર્મોનો ક્ષય કરી આ પવિત્ર પર્વ તિથીએ મુક્તિપદને વર્યા તેની આ કથા અત્યંત અનુકરણીય અને બોધદાયક છે.

ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર દ્રવિડરાજાએ સંયમ સ્વીકારતા પહેલા પોતાના બે પુત્રો દ્રાવિડ અને વારિખિલ્લને રાજપાટના બે ભાગ કરી મોટા પુત્ર દ્રાવિડને મીથીલા નગરીનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિ ખિલ્લને એક લાખ ગામો વહેચી આપ્યા.દ્રાવિડ ને મનમાં અસંતોષ રહેવા લાગ્યો કે હું મોટો હોવા છતાં મને ઓછું મળ્યું અને વારિખિલ્લ ને વધુ હિસ્સો મળ્યો.એને લીધે નાના ભાઈ વારિખિલ્લ ઉપર હર હંમેશ ઈર્ષ્યા અને અદેખાઈ રાખતો.વખત આવ્યે એની ઈર્ષ્યા પ્રગટ થઇ જતી.એટલે વારિખિલ્લથી પણ સહન કરવું મુશ્કેલ બન્યું.અરસપરસ દ્રેષભાવ વધતો ગયો.પરસ્પર યુદ્ધની તૈયારીઓ થવા લાગી.એક પિતાના બન્ને પુત્રો ! વળી પિતાએ તો રાજપાટને લાત મારી દિક્ષા લીધી છે અને દાદા તીર્થંકર છે છતાં બન્ને ભાઈયોમાં વૈરભાવે સ્થાન લીધું.

બન્ને ના લશ્કર યુદ્ધભૂમિમાં સામસામાં ગોઠવાઈ ગયાં.માત્ર માન અપમાન,ઈર્ષ્યા દ્રેષ અને મમત્વભાવે યુદ્ધનો દાવાનળ સળગી ઉઠ્યો,લાખ્ખો માનવીઓનો સંહાર થવા લાગ્યો.આ રીતે નિરંતર યુદ્ધ કરતાં કરતા સાત માસ વીતી ગયા.એવામાં વર્ષાઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખી બન્ને પક્ષ પોતપોતાની છાવણીઓમાં આરામ કરવા લાગ્યા.તે વખતે યુદ્ધ બંધ થયા પછી કોઈ દગો,ફટકો,કે કુડ કપટ કરતું નહી.યુદ્ધ ના સમયેજ લડવામાં આવતું.

વર્ષાઋતુનો કાળ પૂર્ણ થતાં ચાતુર્માસમાં સ્થિરતા કરી રહેલા સાધુમહાત્માઓ વિહારની તૈયારી કરી રહ્યા છે,સૌન્દર્ય અને મનોહર વાતાવરણમાં નીકળેલો દ્રાવિડરાજા પણ સૌન્દર્યનો આનંદ માનવા નીકળી પડ્યો,જયારે કંઈ શુભ થવાનું હોય ત્યારે સંજોગો પણ સારા મળી આવે છે.તેમ જંગલમાં તેઓ એક ઋષિમુનિના આશ્રમ પાસે આવી ચડ્યા.અને આશ્રમમાં પ્રવેશ કર્યો,પ્રભાવશાળી તપસ્વી મુનિના દર્શન થતાં જ રાજા દ્રાવિડનું મસ્તક નમી પડ્યું અને વંદન કરી મુનિની સન્મુખ બેઠા.મુનીએ ધ્યાન માંથી મુક્ત થઇ રાજાને આશીર્વાદ વચનો કહેતા રાજાએ પ્રસન્નતા અનુભવી.

ઋષિમુનિ શ્રી હિતબુદ્ધિએ ધર્મોપદેશ દેતાં કહ્યું,હે રાજન ! તમે બન્ને બંધુઓ શ્રી ઋષભદેવના પૌત્રો છો અને તુચ્છ એવા જમીનના ટુકડા માટે લડવું એ બિલકુલ યોગ્ય નથી.તારા મનમાં કશાય રૂપી જે શત્રુઓ પેસી ગયા છે તે તને પીડા ઉપજાવે છે.અને તે તને સુખ કે શાંતિ ભગાવવા નથી દેતાં.માટે હે રાજન ! સૌ પ્રથમ તારા મનમાંથી ઈર્ષ્યા,લોભ,ક્રોધ ઇત્યાદિ શત્રુઓને હાંકી મુક ! જેથી તને તારા સાચા સ્વરૂપનું ભાન થશે.અને સાચા સુખ શાંતિ માટેનો માર્ગ દેખાશે.રાજન ! તમો મુક્તિપુરીનું શાશ્વત સુખ સંપાદન કરવા ઉદ્યમવંત બનો ! તમારામાં અનંત શક્તિ ભરેલી છે.તેના ઉપર મોહનું જે આવરણ છે તે હટાવીદો.

આ પ્રમાણે ઋષિમુનિના વચનો સાંભળી દ્રવિડ રાજાને પોતાની ભૂલનું ભાન થયું અને મુનિશ્રી પાસે પોતાની કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ કરવા લાગ્યા,આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.આ પ્રમાણે દ્રવિડ રાજાના હૃદયમાં ભારે પરિવર્તન થવા લાગ્યું.પશ્ચાતાપના પવિત્ર જળથી વૈરનો દાવાનળ શાંત થઇ ગયો.એટલે નાના ભાઈ વારિખિલ્લનો જ્યાં વાસ હતો ત્યાં જવા કદમ ઉઠાવ્યું,વારિખિલ્લ પણ પોતાના બંધુને સન્મુખ આવતો જોઇને તેની સામે ગયો.અને વિનય પૂર્વક તેના પગમાં પડ્યો,દ્રાવિડરાજાએ તેને ઉભો કરી સ્નેહ પૂર્વક આલિંગન કર્યું.વારિખિલ્લ ને પણ મનમાં અત્યંત દુઃખ થયું, અરેરે ! એક જમીન ના ટુકડા માટે મેં મોટાભાઈ સાથે યુદ્ધ ખેલ્યું,લાખો સૈનિકો-હાથી ઘોડા વગેરેની હિંસા કરી, અરે હું કેટલું ભૂલ્યો ? અમે દાદા ઋષભદેવના પૌત્રો.પિતાજીએ દાદાના પગલે સર્વ પ્રકારનો મોહ ઉતારી રાજપાટ નો ત્યાગ કર્યો,આરીતે મનમાં મંથન કરતાં મોટાભાઈ પ્રત્યે પ્રેમ અને વિવેક ઊભરાવા લાગ્યો. મોહરાજા એ હું અને મારૂ મંત્ર વડે પાથરેલો અંધકાર રૂપી પડદો ખસી ગયો.અને સમજણ રૂપી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો.વારિખિલ્લે મોટાભાઈ ને કહ્યું, હે વડીલ બંધુ ! આપ મારા જ્યેષ્ટ બંધુ છો.માટે મારૂ રાજ્ય ગ્રહણ કરો.મને આ બધી વસ્તુ ઉપરથી મોહ ઉતરી ગયો છે.રાજા દ્રાવિડને પણ બધો મોહ ઉતરી ગયો હતો,

એટલે ગદ્દગદ્દ કંઠે કહ્યું ભાઈ રાજ્ય તો શુ મને પણ હવે કોઈ વસ્તુ પર મોહ રહ્યો નથી.દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ શરણભૂત નથી.માટે મારેતો વ્રતગ્રહણ કરવું છે.તેથી તને ખમાવવા આવ્યો છું.નાનો ભાઈ વારિખિલ્લ તો તૈયાર જ હતો.તેને કહ્યું,હે ભાઈ તમે જો સર્વ પ્રકારને શ્રેયકરનાર વ્રતને સ્વીકારવા ઈચ્છો છો તો મારે પણ તે વ્રત અંગીકાર કરવું છે.આરીતે બન્ને એ પોતપોતાના પુત્રોને રાજ્ય સોપી. દ્રાવિડ અને વારિ ખિલ્લે તેજ તાપસો પાસે જઈ મંત્રીઓ સહિત દસ કરોડ જણ સાથે સંયમવ્રત સ્વીકાર્યું.

તાપસો જંગલ અથવા ગંગાનદીના કિનારે રહેતા હતા.એક વખત નમિ વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યા.તેમને સર્વે તાપસોએ વંદન કરીને પૂછ્યું આપ કંઈ બાજુએ જાઓ છો ? ત્યારે બન્ને મુનિઓએ ધર્મલાભનું કારણ સમજી મીઠીવાણીથી પોતે સિદ્ધગિરિની યાત્રા કરવા જઈ રહ્યા છે,તે વાત કરી.બન્ને સાધુ મહાત્માઓ વિદ્યાના જાણકાર હતા.તપ,ત્યાગ અને સંયમ ના તેજથી પ્રકાશિત હતા.તેમના પ્રભાવને કારણે તાપસોને તેઓ પર ખુબજ આકર્ષણ થયું.અને સિદ્ધિગિરિનું મહત્વ કેવું છે તે જાણવાની ઉત્કંઠા થઇ.એટલે તાપસોની વિનંતીથી શાશ્વતગિરિનું મહાત્યમ કહ્યું.


શ્રી સિદ્ધિગિરિનો મહિમા સાંભળી તેમના રોમેરોમમાં સિદ્ધિગિરિ જવાના ભાવ પ્રગટ થયા.સાચા સમકિતની પ્રાપ્તિ થઇ.અને એ સંવેગી સાધુઓની સાથે બધા તાપસો ભૂમિમાર્ગે સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળી પડ્યા.વળી વિદ્યાધર મુનિઓના ઉપદેશથી સર્વે તાપસો એ લોચ કરી શુદ્ધ સંવેગી સાધુ જીવન અંગીકાર કર્યું. હવે એ તાપસો તાપસને બદલે મુનિરાજ બની ગયા.

વિહાર કરતાં કરતાં દુરથી શ્રી સિદ્ધચલ ગિરિરાજના દર્શન થતાં હૃદયમાં ખુબજ ઉલ્લાસ અને હર્ષ વ્યાપી ગયા.થોડાજ સમયમાં ગિરિરાજને ભેટી મુક્તિપુરિના મહેમાન બનવા યાત્રાના પ્રારંભે એકએક સોપાન ચડતાં કર્મની નિર્જરા કરવા માંડી.ઉપર પહોચી ચક્રવર્તી મહારાજ શ્રી ભરત મહારાજાએ ભરાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ભક્તિ પૂર્વક નમી પડ્યા તેમનો ભાવોલ્લાસ વધવા લાગ્યો અને સિદ્ધપદને પામવા અધીરા બની ગયાં.

માસક્ષમન કરેલા બન્ને તપસ્વી મુનિઓએ જ્ઞાનથી જોયું કે આ દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિવરો સાથે આ ગિરિરાજ પર મુક્તિપદને પામવાના જ છે એટલે છેલ્લો ઉપદેશ દેતાં બોલ્યા કે હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલા પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે.માટે તમારે અહીજ તપસંયમ માં તત્પર થઈને રહેવું કલ્યાણકારી છે.તમો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉદ્યમવંત બન્યા છો તે પરમાત્મ સ્વરૂપ કેવું છે ? એને તે પ્રાપ્ત કરવા માટે સરળ અને ત્વરિત ઉપાય શુ ? આ જીવ બહિરાત્મ દશાનો એટલે મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્દષ્ટિ બને તે અંતરાત્મા અને અંતરાત્મ દશા પ્રાપ્ત કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરવા પરમાત્માનું ધ્યાન ધરતો ઉદ્યમવંત બનતાં પૂર્ણ કક્ષાએ પહોચેતો તે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે,એટલે તે પોતે જ પરમાત્મા બને છે.પરમાત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે,જ્યોતિ સ્વરૂપ છે અને એ જ જગતનો ઈશ્વર છે.એ સ્વરૂપ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે.તેને પુનર્જન્મ કે મૃત્યુ સ્પર્શ કરતાં નથી.તેનું સુખ અનંત અને અક્ષય છે.વચનથી તેનું વર્ણન થઇ શકતું નથી.જે પરમ આત્મા સિધ્ધ માં વસે છે તેવોજ આત્મા આપણા શરીર માં વસે છે.

આ પ્રમાણે પરમાત્મ સ્વરૂપ સમજાવી બન્ને મુનિઓ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.પછી તે દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે દસ ક્રોડ સાધુઓ ત્યાંજ રહીને બાહ્ય અને અભ્યંતર તપમાં મગ્ન બની મોક્ષની આરાધના કરવા લાગ્યા.અન્નપાણીનો ત્યાગ કરી અણસણ શરુ કરી દીધું.અને આત્મ્ધ્યાનમાં લયલીન બની સર્વ કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામી કાર્તિકીપૂનમ ના દિવસે ગિરિરાજ પર મુક્તિપદ ને વર્યા.

એટલે આ પવિત્ર દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ આદિ મુનિઓનું અનુકરણ કરી જે આત્માઓ શુદ્ધ મન,વચન અને કાયાના યોગે આ ગિરિરાજની યાત્રા ભક્તિ પૂર્વક કરશે તે પણ તેમની જેમ મુક્તિપદને પ્રાપ્ત કરશે...
 SIDHACHAL GIRI NAMO NAMAH
VIMLACHAL GIRI NAMO NAMAH
STRUNJAY GIRI NAMO NAMAH
VANDAN HO GIRIRAJ NE...........................
@inesh shah



If you like this post, select like at the bottom.
If you agree or do not agree - comment your opinion

No comments:

Post a Comment

Thank you for your comments

Upcoming Events

Vaishakh Sud - 6 (16-May-2013) Palitana - Matajini Pun: Pratishtha Din - Havan

Read before you scroll down

Before criticizing a person, walk a mile in his shoes

Followers